Type Here to Get Search Results !

વિશેષણ એટલે શું? વિશેષણના પ્રકાર, ગુણવાચક વિશેષણ, સંબંધવાચક વિશેષણ

 વિશેષણ એટલે શું? વિશેષણના પ્રકાર, ગુણવાચક વિશેષણ, સંબંધવાચક વિશેષણ, પૂછાયેલાવિશેષણ, ઉદાહરણ, MCQ.

વિશેષણ એટલે શું?

વિશેષણ એટલે કે એક પ્રકારનું વધારો સૂચવતું પદ. જે વાક્યનાં સંજ્ઞાપદના અર્થમાં વધારો કરે એટલે કે અર્થમાં વિશેષતા લાવવા પ્રયોજાય તે વિશેષણ.

વિશેષણ ઉદાહરણો:

  • સફેદ હાથી સૌથી આગળ દોડે છે. (આ વાક્યમાં 'સફેદ' એ હાથીનો વિશેષ ગુણધર્મ બતાવે છે.)
  • આ રૂમમાં પચ્ચીસ વિદ્યાર્થીઓ છે. ('પચ્ચીસ' એ વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે.)
  • હિમાલય સુંદર પર્વત છે. ('સુંદર' એ પર્વતની વિશેષતા બતાવે છે.

વિશેષ્ય એટલે શું?

વિશેષણ જે નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે છે, તે નામ કે સર્વનામને વિશેષ્ય કહેવામાં આવે છે.

  • 'સફેદ' વિશેષણ છે અને 'હાથી' વિશેષ્ય છે.
  • 'પચ્ચીસ' વિશેષણ છે અને 'વિદ્યાર્થીઓ' વિશેષ્ય છે.
  • 'સુંદર' વિશેષણ છે અને 'પર્વત' વિશેષ્ય છે.
વિશેષણ એટલે શું પ્રકારો ઉદાહરણ

વિશેષણના પ્રકારો

અર્થ પ્રમાણે (ચાલુ) પ્રકાર
1.સંખ્યાવાચક વિશેષણ A. ગુણવાચક વિશેષણ
2.સાર્વનામિક વિશેષણ B. પરિમાણવાચક વિશેષણ
3.સ્વાદવાચક વિશેષણ C. સંબંધવાચક વિશેષણ
4.રંગવાચક વિશેષણ D. દર્શક વિશેષણ
5.કર્તુવાચક વિશેષણ E. પ્રશ્નવાચક વિશેષણ
6.આકારવાચક વિશેષણ F. સાપેક્ષ વિશેષણ

સ્થાન પ્રમાણે પ્રકાર: (A) અનુવાદ વિશેષણ (B) વિધેય વિશેષણ

રૂપના આધારે પ્રકાર: (A) વિકારી વિશેષણ (B) અવિકારી વિશેષણ

ગુણવાચક વિશેષણ

જે વિશેષણ વિશેષ્યનો ગુણ દર્શાવે છે, તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે.

ઉદાહરણ: કાળો પતંગ, લાલ ગાય, ખાટી નારંગી, ચોખ્ખી શાળા, નિયમિત વિદ્યાર્થી, પ્રારંભિક શિક્ષણ, આજ્ઞાંકિત વિદ્યાર્થી

ગુણવાચક વિશેષણના કેટલાક પેટાપ્રકાર પડે છે જે વિગતવાર આ પ્રમાણે છે.

સંખ્યાવાચક વિશેષણ

જે વિશેષણ વિશેષ્યની સંખ્યા દર્શાવે છે, તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. કેટલાક વિશેષણ નિશ્ચિત સંખ્યા દર્શાવે છે તેને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે.

નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો

પૂર્ણ સંખ્યા દર્શાવતાં એક, બે, દસ, બાર, સો
ક્રમદર્શક પહેલું, બીજું, ત્રીજું
સંખ્યાનો સમૂહ દર્શાવતાં ચોક્કો, પંજો, છક્કો, કોડી
સંખ્યાનો ભાગ દર્શાવતાં પા, સવા, પોણા, અડધા
સંખ્યા કેટલાગણી છે તે દર્શાવતાં એકવડું, બેવડું
અનિશ્ચિત સંખ્યાદર્શક થોડું, ઘણું, પુષ્કળ

સાર્વનામિક વિશેષણ

સર્વનામ વિશેષણ તરીકે પ્રયોજાયું હોય ત્યારે તે સાર્વનામિક વિશેષણ કહેવાય છે. નીચેનાં વાક્યો જુઓ.

ઉદાહરણ:

(1) આ સાંભળીને ખલીફાને લોભી દરબારીઓ વિશે દુ:ખ થયું. 

(2) આ કોઈ શાણો માણસ જણાય છે. 

(3) હું કશી આજ્ઞા કરવા માંગતો નથી. 

(4) એવો તે શો ધડાકો ભયંકર હતો.

ઉપરનાં રેખાંકિત સર્વનામો વિશેષ્યના વિશેષણ તરીકે પ્રયોજાયાં છે. આ ઉપરાંત નીચેનાં સર્વનામો છે તે વિશેષણ તરીકે પણ વપરાય છે.

જથ્થાવાચક વિશેષણ જેટલું, તેટલું, કેટલું, એટલું
કદવાચક વિશેષણ જેવડું, તેવડું, કેવડું, આવડું
સાદશ્યવાચક વિશેષણ જેવું, તેવું, કેવું, આવું
પ્રશ્નવાચક વિશેષણ કયો, કયું, કઈ

સ્વાદવાચક વિશેષણ

જેમાં સ્વાદ વિશેનો અર્થ દર્શાવાતો હોય તેને સ્વાદવાચક વિશેષણ કહી શકાય.

ઉદાહરણ: સ્વાદિષ્ટ ભોજન, ગળ્યું દૂધ, ખાટી છાશ, તીખું મરચું, ખારી સીંગ, ગળી કઢી, મોળા પેંડા

રંગવાચક વિશેષણ

જે વિશેષણ રંગનો ગુણધર્મ દર્શાવતું હોય તેને રંગવાચક વિશેષણ કહે છે.

ઉદાહરણ: લાલ પેન, ગુલાબી પતંગ, રાતુંચોળ લોખંડ, સફેદ વાળ, કાળાં ચશ્માં, પંચરંગી છત્રી, લીલો શર્ટ, વાદળી પેન્ટ.

કર્તૃવાચક વિશેષણ

જેમાં ક્રિયાનો વિશેષણ ગુણ દર્શાવાયો હોય તેને કર્તૃવાચક વિશેષણ કહેવામાં આવે છે.

ઉદાહરણો: ખોદનાર ખેડૂત, ગાનાર ગાયક, સાંભળનાર શિક્ષક, ભણાવનાર અધ્યાપક, પીરસનાર વ્યક્તિ, પરણનાર માણસ.

આકારવાચક વિશેષણ

જેમાં આકાર અંગેનો વિશેષ ગુણ દર્શાવાયો હોય તેને આકારવાચક વિશેષણ કહેવામાં આવે છે.

ઉદાહરણો: ચોરસ ખાનાં, ગોળ પૃથ્વી, ત્રાંસી આંખો, લંબચોરસ બોક્સ, ષટ્કોણ સિક્કો.

પરિમાણવાચક વિશેષણ

પ્રત્યેક વસ્તુ કે પદાર્થનું નિશ્ચિત માપ હોય છે. વસ્તુનું કદ પણ હોય છે. વસ્તુ નાની છે કે મોટી છે તે દર્શાવવા માટે સંજ્ઞાની સાથે વપરાતાં વિશેષણને પરિમાણવાચક વિશેષણ કહેવામાં આવે છે. બીજી રીતે કહેવું હોય તો જે વિશેષણો વિશેષ્યનું પરિમાણ એટલે કે માપ દર્શાવે છે તેને પરિમાણવાચક વિશેષણ કહે છે.

ઉદાહરણો: વિશાળ તળાવ, અગમ્ય કૂવો, મણ ચોખા, પ્યાલો છાશ, ખોબો પાણી, અતિશય ઠંડી, અઢળક પૈસા, બધોણું દૂધ

વાક્ય: જેમ કે, મેં ઘણી છાશ પીધી છે.

સંબંધવાચક વિશેષણ

જે વિશેષણ - ‘ને લગતું’ - ‘ની સાથે સંબંધ ધરાવવો’ - તેવો અર્થ દર્શાવે તો તે સંબંધવાચક વિશેષણ કહેવાય છે. આવાં વિશેષણો મોટે ભાગે બીજા શબ્દોને પ્રત્યય લાગીને બનેલાં હોય છે.

ઉદાહરણો: ઐતિહાસિક વાર્તા, શારીરિક ખોડ, રાષ્ટ્રીય કટોકટી, સ્થાનિક નેતા, પ્રારંભિક પરિસ્થિતિ.

દર્શક વિશેષણ

જે વિશેષણ નજીકનાં કે દૂરનાં પ્રાણી, પદાર્થ કે વસ્તુને દર્શાવવા વપરાય છે તેને દર્શક વિશેષણ કહે છે, જેમ કે..,

ઉદાહરણ:

(1) ચિત્ર જુઓ. 

(2) પેલા મેદાનમાં જાઓ. 

(3) તે છોકરાઓ તોફાન કરી રહ્યા છે. 

(4) મારો દીકરો છે. તેનું નામ ધર્મ આહજોલિયા છે.

પ્રશ્નવાચક વિશેષણ

જે વિશેષણ પ્રશ્ન પૂછવા માટે વપરાય છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. જેમ કે 

ઉદાહરણ:

(1) કયો માણસ હતો ? 

(2) કઈ વાત કરો છો ? 

(3) કયા ગામ ગયા’તા ? 

(4) શા સમાચાર લાવ્યા છો ?

સાપેક્ષ વિશેષણ

જે વિશેષણ એકબીજા સાથે વાપરવાની જરૂર - અપેક્ષા રહે છે તેને સાપેક્ષ વિશેષણ કહે છે. જેમકે, જે-તે, જેવું - તેવું 

ઉદાહરણ:

(1) જે કામ કરો તે જોઈ-વિચારીને કરજો. 

(2) જેવાં બી વાવશો તેવાં ફળ મળશે. 

(3) જેમ મારા પિતાશ્રી કહેશે તેમ હું કરીશ. 

(4) જ્યારે પરીક્ષા આપશો ત્યારે પાસ થશો.

સ્થાન પ્રમાણે વિશેષણ

વાક્યમાં તેના સ્થાન પ્રમાણે વિશેષણના બે પ્રકાર પડે છે, જે નીચે મુજબ છે :-

અનુવાદ્ય વિશેષ

જે વિશેષણ વિશેષ્યની પહેલાં આવેલું હોય તેને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે છે.

મંદમંદ પવન વાય છે.

વિધેય વિશેષણ

જે વિશેષણ વિશેષ્યની પછી આવેલું હોય તેને વિધેય વિશેષણ કહેવામાં આવે છે.

ઉદાહરણ: તે છોકરો હોશિયાર છે.

અનુવાદ્ય વિશેષણ વિધેય વિશેષણ
(1) એ દળદાર પુસ્તક હું વાંચતો ગયો. (1) આ પુસ્તક દળદાર છે.
(2) રળિયામણું ગાંધીનગર સૌને ગમે. (2) ગાંધીનગર રળિયામણું છે.
(3) પેલું સુંદર મકાન છે. (3) પેલું મકાન સુંદર છે.
(4) હોશિયાર વિદ્યાર્થી સમયનું મહત્ત્વ સમજે છે. (4) આ વિદ્યાર્થી હોશિયાર છે.
(5) દયાળુ લોકો ચહેરા પરથી ઓળખાઈ જાય છે. (5) ગુજરાતના લોકો દયાળુ હોય છે.

રૂપના આધારે વિશેષણ

વાક્યમાં તેના રૂપના આધારે વિશેષણના બે પ્રકાર પડે છે, જે નીચે મુજબ છે :-

વિકારી વિશેષણ: જે વિશેષણમાં નામના લિંગ-વચન પ્રમાણે ફેરફાર થાય, એટલે કે વિકાર થાય તેને વિકારી વિશેષણ કહેવાય છે.

અવિકારી વિશેષણ: જે વિશેષણમાં નામના લિંગ-વચનમાં ફેરફાર થવાથી વિશેષણમાં ફેરફાર ન થાય એટલે કે વિકાર ન થાય તેને અવિકારી વિશેષણ કહેવાય છે.

વિકારી વિશેષણ અવિકારી વિશેષણ
(1) આ મોટા વિદ્યાર્થીઓ છે. (1) તે દયાળુ લોકો છે.
(2) આ મોટી છોકરી છે. (2) તે દયાળુ છોકરી છે.
(3) તે મોટો ડુંગર છે. (3) તે દયાળુ છોકરો છે.
(4) તે મોટું વૃક્ષ છે. (4) તે દયાળુ છોકરું છે.

વિકારી વિશેષણમાં પ્રયોજાતા શબ્દ: કાળું, નાનો, ઢીલો, રૂપાળી, ઘણું, ગાંડી, થોડું, ધોળો, લીલું, મોટી, ડાહ્યો, નમણું, મોટો, ઓછું, રૂડું, ઊંચું

અવિકારી વિશેષણોમાં પ્રયોજાતા શબ્દ: મહાન, શુદ્ધ, બુદ્ધિશાળી, દયાળુ, મહેનતુ, સ્વચ્છ, સુંદર, પ્રામાણિક, હોશિયાર, મંદ, વિશાળ, માયાળુ, કૃપાળુ

નોંધ :- ઉપરનાં ઉદાહરણોમાં મોટો, મોટી, મોટું, મોટા એ શબ્દોમાં નામના લિંગ (સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ) તેમજ વચન પ્રમાણે ફેરફાર થાય છે. તેથી આ શબ્દોને વિકારી વિશેષણો કહેવાય, જ્યારે ‘દયાળુ’ શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી. તે શબ્દને અવિકારી વિશેષણ કહેવાય.