આ લેખમાં આપણે ગુજરાત માંથી મળેલ સિંધુ સભ્યતાના મહત્વના સ્થળો કયા આવેલા છે, તે સ્થળે થી શું મળ્યું, વિશેષતા શું હતી, સ્થળની શોધ કોને કરી વગરે માહિતી મેળવીશું. આ પુરાતત્વી સ્થળોમાં રંગપુર, લોથલ, ધોળાવીરા, દેશલપર, પ્રભાસ-ગીર સોમનાથ અને રોજડી (શ્રીનાથગઢ) નો સમાવેશ થાય છે.
રંગપુર (1931)
રંગપુર ગુજરાતમાંથી મળેલું પ્રથમ સિંધુ સભ્યતાનું સ્થળ છે. ઈ.સ. 1953-54માં એસ.આર. રાવે રંગપુરનું સંશોધન કર્યું હતું. રંગપુર ભાદર નદીનાં કાંઠા પર આવેલી નાની વસાહત છે. આ સ્થળનાં ઉત્ખનનકર્તા માઘોસ્વરૂપ વત્સ છે. ઉત્ખનન દરમિયાન કાચી ઈંટોનાં મકાન મળ્યાં છે. રંગપુર હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલું છે.
લોથલ
સ્થાન: અમદાવાદનાં ધોળકામાં ભોગાવો-સાબરમતી વચ્ચેના પ્રદેશમાં.
લોથલ નામમાં 'લોથ' શબ્દનો તળપદી ગુજરાતી ભાષામાં 'લાશ' એવો અર્થ થાય છે , અર્થાત "મરેલાનો ટેકરો" એવો થાય છે. એવું માનવામાં આવે છે કે લોથલમાં ઈ.સ.પૂ. 2450ની આસપાસ હડપ્પીય પ્રજા આવીને વસી હશે અને ઈ.સ.પૂ. 1750ની આસપાસ લુપ્ત થઈ ગઈ હશે. લોથલની શોધ 1954-55માં એસ. આર. રાવ દ્વારા થઈ. લોથલ એ 'સિંધુ સભ્યતામાં સૌથી મોટું બંદર' હતું.
લોથલ માંથી મળી આવેલ અવશેષો અને વિશેષતાઓ
- ડોકયાર્ડ, મણકાની ફેક્ટરી, હોકાયંત્ર, માપપટ્ટી, જોડિયા કબર (જે સતીપ્રથાનો પુરાવો માનવામાં આવે છે), અન્નની વખારો, પથ્થરની ઘંટી, અને યજ્ઞ કરવાના કુંડ.
- લોથલ નગરની અગ્નિ દિશામાં ઉપરકોટ આવેલ હતો.
- ઉપરકોટમાં સામસામી બે હારોમાં કુલ 64 વખારો મળી આવી.
- વહાણ લાંગરવા માટેનો ધક્કો લોથલની વિશિષ્ટતા છે.
- આ ધક્કામાં 650 ક્વિન્ટલ વજનનાં વહાણો આવી શકતા હતાં.
- બારીક છિદ્રોવાળા સોનાના મણકા મળી આવ્યા, જે બીજે ક્યાંયથી મળ્યા નથી.
- ગોરીલાની ટેરાકોટાની મૂર્તિ.
- પથ્થરની ઘંટી મળી આવી જે સૌરાષ્ટ્રના ચૂનેરી પથ્થરોમાંથી બનાવવામાં આવતી હતી.
ધોળાવીરા
ધોળાવીરાની પહેલી વહેલી શોધ ઈ.સ. 1960માં થઈ હતી.
સ્થાન: ભુજથી લગભગ 140 કિમી. દૂર ભચાઉ તાલુકાના મોટા રણનાં ખદીરબેટમાં આવેલું છે.
અહીંથી હડપ્પીય સંસ્કૃતિનું જ સમકાલીન મોટું, વ્યવસ્થિત અને પ્રાચીન નગર મળી આવ્યું. ધોળાવીરા ગુજરાતની સૌથી મોટી હડપ્પીય સભ્યતાની સાઈટ છે. તે સિંધુ સભ્યતાનું એક વિશિષ્ટ નગર છે કારણ કે તેનાં નગરમાં ત્રણ સ્તરની નગરરચના મળી આવી છે: શાસક અધિકારીઓનો ગઢ. અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર. સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. શાસક અધિકારીઓના ગઢ ઊંચાઈ પર અને મજબૂત દીવાલોથી સુરક્ષિત જણાય છે. વસાહત ઉત્તર-દક્ષિણ 600 મીટર અને પૂર્વ-પશ્ચિમ 77 મીટરના ઘેરાવામાં ફ્લાયેલી છે. લગભગ 12 મીટર ઊંચી દીવાલોની કિલ્લેબંધી ધરાવે છે. નગરની મધ્યમાંથી રાજમહેલના અવશેષ પ્રાપ્ત થયા છે.
ઉત્ખનન કાર્ય: ઈ.સ. 1990–91માં પુરાતત્ત્વવિદ્ રવીન્દ્રસિંહ બિષ્ટ અને જગતપતિ જોષીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.
ધોળાવીરા માંથી મળી આવેલ અવશેષો
સ્નાનાગર, રમતગમતનું મેદાન, તાંબાંને છૂટું પાડવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, સોનાનાં આભૂષણો, પકવેલી માટીનાં દાંતિયાઓ તથા 26 ચિહ્નોનો અભિલેખ. આ અવશેષોના આધારે એમ કહી શકાય કે ધોળાવીરા વેપાર-વાણિજ્યનું એક સુખીસંપન્ન કેન્દ્ર હશે.
સમયગાળો: ઈ.સ.પૂ. 2500 થી ઈ.સ.પૂ. 1900 સુધીનો માનવામાં આવે છે. હડપ્પા (સિંધુ) સંસ્કૃતિમાં મળી આવેલા લેખોની લિપિ હજી સુધી ઓળખાઈ નથી.
દેશલપર
સ્થાન: કરછનાં નખત્રણા તાલુકામાં મોરાઈ નદીના કાંઠે વિકાસ પામી હતી એવા અવશેષ મળી આવ્યા છે.
નદી કિનારે પૂરપ્રકોપથી બચવા માટે પથ્થરની જાડી દીવાલ બંધાઈ હોવાના પુરાવા મળી આવ્યા છે. અહીં કાચી ઈંટોના મકાન, સિંધુ તોલા, મુદ્રાઓ, મુદ્રાંક, તાંબાનાં ઓજારો, અને વિવિધ પદાર્થોનાં મણકા મળી આવ્યાં છે. આ વસાહતનો વિનાશ ઈ.સ.પૂ. 1950ના સમયગાળામાં પૂરનાં લીધે થયો હોવાનું મનાય છે.
પ્રભાસ-ગીર સોમનાથ
હાલ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. અહીંથી સિંધુ સભ્યતાના વસાહતોનાં બે સ્તર મળી આવ્યાં છે. અહીંના નિવાસીઓ રાખોડિયા મૃદપાત્ર વાપરતાં હોવાના અવશેષો મળ્યા છે. અહીંથી મળી આવેલ ચળકતા લાલ મૃદપાત્રો તેની વિશિષ્ટતા દર્શાવે છે. સમયગાળો: ઈ.સ.પૂ. 1700 થી 1400નો મનાય છે.
રોજડી (શ્રીનાથગઢ)
રાજકોટના ગોંડલ નજીક ભાદરના કિનારે આવેલું છે. અહીંના મુખ્ય મૃદપાત્ર લાલ અને ભૂરા હતાં.
અવશેષો: સપાટ થાળી, ઊંચી ડોકવાળી બરણી, તાંબાં કે કાંસાની સપાટ વીંઘણો, બાણ-ફળા, માછલાં પકડવાની ગલ, બે તોલાં, અને સેલખડીનાં ઝીણાં મણકા. આ સંસ્કૃતિનો પ્રારંભ ઈ.સ.પૂ. 1900 અને અંત ઈ.સ.પૂ. 1600માં થયો હોવાનું મનાય છે.

